અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ
અંકલેશ્વર,
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ફરી મંત્રી બનતા તેમના વતન કુડાદરા ગામ, પંડવાઈ સુગર ફેક્ટરી અને અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ઈશ્વરસિંહ પટેલ અગાઉ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. ગ્રામજનોએ તેમની લાંબી રાજકીય કારકિર્દી અને તમામ વર્ગના પ્રશ્નોના નિરાકરણ માટેના કામની સરાહના કરી હતી અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સહકાર, રમત-ગમત અને યુવા સેવા સહિતના વિભાગોમાં વિવિધ જવાબદારીઓ સંભાળીને લાંબો રાજકીય અનુભવ ધરાવે છે.