અંકલેશ્વર NH-૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મીનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ કરુણ મોત, CCTV ફૂટેજના આધારે ચાલકની શોધખોળ
કેતન મહેતા : અંકલેશ્વર,
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલી પાનોલી નજીક હીટ એન્ડ રનની એક ગંભીર ઘટનામાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા એક પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ થયું છે.
મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું. ટ્રાફિકનું નિયમન કરતી વખતે એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક તુરંત જ ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પાનોલી પોલીસ મથકના પી.આઈ. એસ.એમ. દેસાઈએ જણાવ્યું છે કે, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને CCTV ફૂટેજની મદદથી તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.