શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે લીલા વૃક્ષ કાપી લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું
પોઇન્ટ ઓફ ભારત ! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વનવિભાગ સામે ફરી એક વાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતના બા વાઘેલા દ્વારા ઝડપી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર નંબર GJ-09-AP-1180 લાખો રૂપિયાના લીલા લાકડાના મુદ્દામાલ સાથે ઝડપાયું છે. ટ્રેક્ટરનો ડ્રાઇવર તથા સાથે રહેલા મજૂરોને પણ વનવિભાગ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યા છે.
સરકાર એક બાજુ પર્યાવરણ બચાવ અને વૃક્ષ વાવેતર માટે સતત અભિયાન ચલાવી રહી છે, પરંતુ બીજી બાજુ એવા બનાવો સામે આવતા વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. વૃક્ષ છેદનને રોકવામાં વનવિભાગ નિષ્ફળ જઈ રહ્યું હોય તેવી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
આ ઘટનાને લઈ લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક આ મામલે “કુલડીમાં ગોળ ભગાવવાનો” પ્રયાસ તો નથી થયો ને ? કારણ કે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પકડાયેલ ટ્રેક્ટરની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આનાકાની જોવા મળી રહી છે.
વનવિભાગ દ્વારા લાખો રૂપિયાના લીલા લાકડાની સાથે ઝડપાયેલ ટ્રેક્ટર હાલ તપાસ હેઠળ છે. જો કે, આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોવાથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે
સંપૂર્ણ તપાસ જાહેર રીતે કરવામાં આવે અને વન સંપત્તિના રક્ષકો સામે પણ કડક કાર્યવાહી થાય.