ઓગડ: થરા બસ્ટેન્ડ અને સર્વિસ રોડ જળમગ્ન, વરસાદમાં નગરજનોને હાલાકી દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત, તંત્રની બેદરકારી સામે રોષ

author
0 minutes, 0 seconds Read

બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકા મથક થરામાં વિકાસના દાવાઓ પાણી-પાણી થઈ ગયા છે. શુક્રવારની રાત્રે પડેલા સામાન્ય વરસાદથી જ થરા વિસ્તારના બંને સર્વિસ રોડ અને બસ્ટેન્ડ જળમગ્ન થઈ ગયા હતા. જેના કારણે નગરજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
થરા વેપારી મથક અને તાલુકા મથક તરીકે ઓળખાતા આ શહેરમાં દર ચોમાસે એક જ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. સર્વિસ રોડ અને બસસ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી થોડા વરસાદમાં જ રસ્તા તળાવમાં ફેરવાઈ જાય છે.
પાણી ભરાવાને કારણે બજારમાં ગામ-ગામથી ખરીદી માટે આવતા લોકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. બાઇક અને નાના વાહનો બંધ પડી જવાની ફરિયાદો પણ સામે આવી હતી. બસ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને પણ કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા રોડ બનાવતી વખતે ડ્રેનેજ અને પાણીના નિકાલની કોઈ આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે આ જ સમસ્યા ભોગવવાની વારી આવે છે.
નગરજનોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ અને બસ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી દર ચોમાસે થતી આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
વરસાદ શરૂ થતાની સાથે જ થરાના વિકાસના દાવાની પોલ ખુલી જતા તંત્ર સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

રિપોર્ટ: પ્રવિણસિંહ વાઘેલા ઓગડ, બનાસકાંઠા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!