
તાજેતરમાં પાકિસ્તાની સૈન્યના વડા મુનીર તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વ્હાઇટ હાઉસ ખાતે બંધબારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિટિંગ બે કલાક ચાલી. આ મિટિંગ પરથી અમેરિકા અને પાકિસ્તાન એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જાય છે તે બાબતમાં હવે કોઈ શંકા રહેવી જોઈએ નહીં. આ ઘટનાઓ સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ, અમેરિકાને ચીન સાથે 36નો આંકડો છે. આ કારણથી ચીન અથવા બ્રિક્સ દેશોની નજીક જે જાય તે અમેરિકાની દુશ્મની વહોરી લે, જેનું આદર્શ ઉદાહરણ હાલમાં ભારત-અમેરિકાના સંબંધો છે. સિક્કાને ત્રીજી બાજુ નથી હોતી. એટલે ટોસ ઉછાળો તો કાં તો વાઘ પડે કાં તો કાંટો પણ આ કિસ્સામાં સિક્કો ધાર ઊભો રહી ગયો. એ ધાર એટલે પાકિસ્તાન. શરીફ અને મુનીર બંધબારણે ટ્રમ્પને મળ્યા તેના બીજા જ દિવસે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું એક મુલાકાતમાં વિધાન છે, ‘ચાઇના વોઝ એન્ડ વીલ બી પાકિસ્તાન ટોપ એલાઇઝ’ અર્થાત્ ચીન ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં પણ પાકિસ્તાનનું ટોચનું સાથી બની રહેશે. અમેરિકા સાથે પાકિસ્તાનના પ્રમુખ શાહબાઝ શરીફ અને સેનાધ્યક્ષ મુનીર છાનગપતિયાં કરી જમી આવે અને બંધબારણે ચર્ચાઓ પણ કરી આવે તેનાથી ચીનના પેટનું પાણી નથી હાલવાનું કે નથી પાકિસ્તાન અને ચીન કે પાકિસ્તાન-અમેરિકા વચ્ચેની નિકટતામાં કોઈ ફેરફાર આવવાનો એવું પાકિસ્તાનના ખ્વાજા આસિફનું કહેવું છે. વિદેશનીતિના ભલભલા નિષ્ણાતોને ચક્કર આવી જાય એવું આ વિધાન એક મ્યાનમાં બે અને કદાચ રશિયા ગણીએ તો ત્રણ તલવારો એક સાથે સમાઈ શકે એવું સૂચન કરે છે. બ્રિટિશ અમેરિકન જર્નાલિસ્ટ મહેંદી હસને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું, ‘પાકિસ્તાનના ચીન અને અમેરિકા બંને સાથેના સંબંધો બાબતે તમારે શું કહેવું છે?’ ત્યારે આસિફનો આ જવાબ ફૂટનીતિના નિષ્ણાતોને પણ ભૂ પીતા કરી દે તેવો હતો. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો હવાલો આપી પત્રકાર હસને એવું અવલોકન કર્યું કે, પાકિસ્તાને પોતાના શસ્ત્ર-સરંજામની 80 ટકા જેટલી ખરીદી છેલ્લાં ચાર વર્ષમાં ચીન પાસેથી કરી છે ત્યારે પાકિસ્તાનની ટ્રમ્પ સાથેની નિકટતા જે મુખ્યત્વે મીનરલ ડીલ, ક્રિપ્ટો ડીલ વગેરે પર આધારિત છે તેને કારણે પાકિસ્તાનના ચીન સાથેના સંબંધોને અસર થશે કે કેમ? તેનો જવાબ આપતાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આસિફ તદ્દન બેફિકરાઈથી કહે છે, ‘અમને એની ચિંતા નથી, કારણ કે 1950ના દાયકાથી ચીન સાથેના અમારા સંબંધો વિવિધ ચકાસણીમાંથી ખરા ઊતર્યા છે. બંને દેશો વચ્ચે એકબીજા માટે ઊંડી સમજ અને લાગણી પ્રવર્તે છે અને એટલે અમે અમેરિકાની નજીક જઈએ છીએ એનાથી ચીન સાથેના અમારા સંબંધોમાં કોઈ ફરક પડશે નહીં.’ વાતને આગળ વધારતા પત્રકાર હસને જ્યારે પ્રશ્ન કર્યો, ‘પાકિસ્તાન પોતાનું વ્યૂહાત્મક ભવિષ્ય કોની સાથે જોઈ રહ્યું છે, અમેરિકા સાથે કે ચીન સાથે?’ આ પ્રશ્નના જવાબમાં પાકિસ્તાન સંરક્ષણ મંત્રી કહે છે, ‘ભૂતકાળમાં અને આજે પણ તેમજ આવનાર ભવિષ્યમાં ચીન અમારું આધારભૂત સાથી અને વિશ્વાસપાત્ર સાથી રહ્યું છે. ચીને અમને દરેક પ્રકારનાં શસ્રો પૂરાં પાડ્યાં છે. અમારું એરફોર્સ, સબમરીન અને વિમાનો ચીનની દેન છે. અમારી સબમરીન ચીન પાસેથી આવી છે અને અમારી પાસેનાં શસ્ત્રોનો મોટો ભાગ ચીન પાસેથી ખરીદ્યો છે. એકબીજા સાથેનો અમારો સંરક્ષણ ક્ષેત્રીય સહકાર વધી રહ્યો છે. ચીન સાથે અમારે સંબંધો પહેલાં હતા એનાથી વધુ ગાઢ બન્યા છે. એનું મુખ્ય કારણ અમેરિકા જેવા બીજા દેશો બિનઆધારભૂત છે. આની સરખામણીએ ચીન આધારભૂત છે તેમજ અમારું પાડોશી પણ છે. અમે ચીન સાથે સરહદ તેમજ ભૌગોલિક રીતે સંકળાયેલા છીએ.’ તાજેતરમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંરક્ષણ કરાર અંગે આ ઇન્ટરવ્યૂ દરમિયાન ખ્વાજા આસિફે વાત કરી હતી. આસિફે એમ પણ કહ્યું હતું, ‘ઘણા લાંબા સમયથી અમારે અમેરિકા સાથે ચઢાવ-ઉતાર આવે તેવા પ્રેમ-સંબંધો રહ્યા છે પણ આ બધું હોવા છતાંય ચીન અમારું સૌથી વધુ વિશ્વાસપાત્ર અને સર્વોત્કૃષ્ટ એવું ટોચનું સાથીદાર છે. ચીન વિશ્વાસપાત્ર છે, એની સાથોસાથ અમારું પાડોશી પણ છે.’ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 25 સપ્ટેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મુનીર સાથે ઑવલ ઑફિસ, વૉશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ વેન્સ અને સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયો પણ હાજર હતા. તેના બીજા દિવસે ‘યુનાઇટેડ નેશન્સ’ ખાતે આપેલા ભાષણમાં જનરલ એસેમ્બલીને સંબોધતા પોતાના વક્તવ્યનો સારો એવો ભાગ ટ્રમ્પના વખાણ કરવામાં અને પોતે તેમનાથી અભિભૂત છે એમ કહેવામાં ગાળ્યો હતો. ટ્રમ્પને શરીફ દ્વારા ‘મેન ઑફ પીસ-શાંતિદૂત’ તરીકે સંબોધન કરાયું તેનો ઉલ્લેખ કરી ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘શાંતિ બહાલ કરવા માટે નૉબેલ પુરસ્કાર આપવો જોઈએ’ તે મુજબની વાત કરી હતી. યુદ્ધવિરામ અંગે પાકિસ્તાનના ડાયરેક્ટ જનરલ ઑફ મિલિટરી ઑપરેશન દ્વારા પહેલ કરવામાં આવી હતી તે શું હતું તેનો ઉલ્લેખ કરવાનું તેમણે ટાળ્યું હતું. આ બાબતમાં ભારતે હંમેશાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, આ અથડામણમાં (ઑપરેશન સિંદૂર એ કોઈ યુદ્ધ ન કહી શકાય, બંને દેશો વચ્ચે યુદ્ધની કોઈ જાહેરાત પણ થઈ નથી કે મિલિટરી મોબિલાઇઝેશન પણ થયું નહોતું) વિરામ એ બંને દેશના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન વચ્ચે થયેલ વાતચીત, જેમાં બેમાંથી એકેય પક્ષે અન્ય કોઈ નેતાનું પ્રદાન નહોતું તેને કારણે થઈ છે. જ્યારે આસિફને પૂછવામાં આવ્યું કે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલ મિલિટરી સંધિ અનુસાર ‘શું પાકિસ્તાન સાઉદી અરેબિયાને અણુછત્ર પૂરું પાડશે ખરું?’ જેના જવાબમાં ઉત્તર આપવાનું ટાળીને આસિફે માત્ર એટલું જ કહ્યું હતું, ‘આ બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરાર –ઝેટિયો (ZETEO) મુજબના રહેશે.’ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની તાજેતરની રિયાઝની મુલાકાત દરમિયાન સાઉદી પ્રિન્સ અને વડાપ્રધાન મોહમંદ બિન સલમાન સાથે આ કરાર ઉપર સહી કરી હતી. આમ છતાંય પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે એક મુલાકાતમાં એવું સ્પષ્ટ કહ્યું હતું, ‘કાશ્મીર મુદ્દે સમજૂતી થયા સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય એવું વિચારનારાઓ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. જ્યાં સુધી કાશ્મીર ઈસ્યુ ઉપર સમજૂતી ન સધાય ત્યાં સુધી લાંબા ગાળાની ટકાઉ શાંતિ ભારત-પાકિસ્તાન વચ્ચે શક્ય નથી.’