
સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામમાં નિર્માણાધીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ ઉપર વ્યક્તિગત નામનું મોટા અક્ષરનું બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જાહેર આરોગ્ય સુવિધા પર વ્યક્તિના નામનું બોર્ડ લગાવવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ લેખિત વિરોધ નોંધાવ્યો છે….
સોનાસણ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન હાલમાં બાંધકામ હેઠળ છે. મકાન હજી પૂર્ણ કે કાર્યરત નથી, તેમ છતાં આરોગ્ય કેન્દ્રના ગેટ ઉપર બકાભાઇ જોઈતાભાઈ પટેલ (ભુરીવાસ) નામનું મોટા અક્ષરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
ગ્રામજનોએ દાવો કર્યો છે કે આ બોર્ડને કારણે આરોગ્ય કેન્દ્ર જાહેર સુવિધા છે કે કોઈ વ્યક્તિની ખાનગી સંસ્થા કે ધર્મશાળા છે તે અંગે ગેરસમજ ઉભી થઈ છે. પરિણામે ગામમાં અસંતોષ અને વિવાદની સ્થિતિ ઊભી થઈ છે.
કાયદાકીય અને પ્રશાસનિક પ્રશ્નો
ગ્રામજનોએ તલાટીશ્રી અને સરપંચશ્રીને કરેલી અરજમાં નીચેના મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે:
શું આરોગ્ય કેન્દ્રના ગેટ પર વ્યક્તિગત નામનું બોર્ડ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે?.
શું ગ્રામ પંચાયતે આ બાબતે કોઈ ઠરાવ પસાર કર્યો છે?….
જો ઠરાવ થયેલ હોય તો તેની લેખિત નકલ ઉપલબ્ધ કરાવવા માંગણી…..
ગ્રામજનોની માંગ
અરજમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે:
હાલ લગાવેલું વ્યક્તિગત નામનું બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવે
ગેટ ઉપર “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનાસણ” નામનું અધિકૃત બોર્ડ લગાવવામાં આવે
દાન આપનાર માટે અલગથી નિયમ મુજબ તકતી લગાવી શકાય, પરંતુ જાહેર ગેટ પર વ્યક્તિનું નામ દર્શાવવું મનસ્વી અને જાહેર હિતના વિરોધમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે…
ગ્રામજનોએ આ મુદ્દે તંત્ર પાસેથી સ્પષ્ટતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગ આ જાહેર હિતના મુદ્દે શું પગલા ભરે છે.
